UPI દ્વારા ચૂકવણી કરવા પર ચાર્જ લેવા માં આવશે? નાણા મંત્રાલયે સ્પષ્ટ કહ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા UPI દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર ચાર્જ વસૂલી શકે છે. આવા સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં હતા. પરંતુ આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રાલયે રાહતની માહિતી આપી છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર UPI પેમેન્ટ સર્વિસ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લગાવવાનું વિચારી રહી નથી.
નાણા મંત્રાલયે ટ્વીટ કર્યું, ‘UPI એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે લોકો માટે ખૂબ જ અનુકૂળ છે અને અર્થતંત્રમાં તેનું મોટું યોગદાન છે. સરકાર UPI પેમેન્ટ સર્વિસ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાદવાનું વિચારી રહી નથી. સેવા પ્રદાતાઓ માટે ખર્ચ વસૂલાત માટે અન્ય વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ ઈકો સિસ્ટમને મજબૂત કરવા માટે સરકારે ગયા વર્ષે નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. આ મદદ આ વર્ષે પણ ચાલુ રહેશે.
લોકો UPI નો ઘણો ઉપયોગ કરી રહ્યા છે
NPCI દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં દર મહિને UPI પેમેન્ટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. આંકડા દર્શાવે છે કે દેશમાં માત્ર જુલાઈ મહિનામાં જ કુલ 600 કરોડના વ્યવહારો થયા છે. આમાં કુલ 10.2 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે. દેશમાં UPI યુઝર્સનો દર 7 ટકાથી વધુ વધ્યો છે.